Feeds:
Posts
Comments

img_74981

ક્યાંક દીવો ઝળહળે, ને યાદ આવીજાય તું
શક્યતાઓ સળવળે, ને યાદ આવીજાય તું

જિંદગીનો સાવ સીધો ને સરળ છે અર્થ, પણ
અર્થ બીજો નીકળે, ને યાદ આવીજાય તું

લાગણીના સ્પર્શથી પથરા ય પીગળે, છેવટે
સ્હેજ માણસ પીગળે, ને યાદ આવીજાય તું

બહુ સહી છે મેં અજાણ્યા દર્દની પીડા, સતત
એજ ઘરમાંથી મળે, ને યાદ આવીજાય તું

છે અલગ ઐશ્વર્ય ઉત્તરનું અનાહત, આગવું
પ્રશ્ન જો એમાં ભળે, ને યાદ આવીજાય તું

દર્દ કરતાં દર્દનું કારણ બને એ લાગણી
આંસુ થઈને ઓગળે, ને યાદ આવીજાય તું

આમ તો ઉપલબ્ધ છે હર ઝેરના મારણ, છતાં
કોઈ ઈર્ષાથી બળે, ને યાદ આવીજાય તું   !

ડો.મહેશ રાવલ

img_55051

વીતી ગયેલી પળ લખીને શું કરૂં ?
આ અટપટું અંજળ લખીને શું કરૂં ?

મારા જ ઘરમાં હું અજાણ્યો છું, હવે
સંબંધની સાંકળ લખીને શું કરૂં ?

પડઘા વગરનો સાદ થઈગઈ જિંદગી
સુક્કા ગળે, હું જળ લખીને શું કરૂં ?

પાછાં વળે છે સ્વપ્ન, કાંઠેથી સતત
દરિયા વિષે અટકળ લખીને શું કરૂં ?

જ્યારે મળે-અંગતપણું લઈને મળે
એ ઓળખીતાં છળ લખીને શું કરૂં ?

 

ડો.મહેશ રાવલ

img_6760

પછી, કોઇ બાબત વિચારી શક્યો નહીં
દશા એ હતી, કંઈ જ ધારી શક્યો નહીં !

તબક્કો જ એવો હતો સાવ નાજુક
નિવારી શકત, પણ નિવારી શક્યો નહીં !

વિષય લાગણીનો હતો એ ખરૂં, પણ
ઉલટભેર હું આવકારી શક્યો નહીં !

સ્મરણ, માત્ર છે એટલું કે સમયસર
મને ખુદ સમય પણ, ઉગારી શક્યો નહીં !

ન આગળ વધી શક્યતા, કોઇરીતે
અને કાં પછી, હું વધારી શક્યો નહીં !

 

ડો.મહેશ રાવલ

img_6810

હરફ એકેય હું ઉચ્ચારવાનાં વેતમાં ન્હોતો
દશા એવી હતી, કંઈ ધારવાના વેતમાં ન્હોતો !

ખબર નહીં કેમ ઊભો’તો, ઉઘાડા દ્વારવચ્ચે જઈ
ખરેખર કોઇને સત્કારવાનાં વેતમાં ન્હોતો !

નજર શોધી રહી’તી આપમેળે કંઈક ગમતીલું
અને હું એ વિષય, વિસ્તારવાનાં વેતમાં ન્હોતો !

ઢળી ગઈ સાંજ, દઈ કળતર અજાણ્યા દર્દની છેલ્લે
વ્યથા એ, અશ્રુઓમાં સારવાનાં વેતમાં ન્હોતો !

સુખદ અંજામથી વંચિત પ્રતીક્ષા, અર્થ માંગે છે
સુચારૂ અર્થ હું અવતારવાનાં વેતમાં ન્હોતો !

પછી,આખો ય કિસ્સો ભાગ્યના અધિકારનો નીકળ્યો
અને હું ભાગ્યને પડકારવાનાં વેતમાં ન્હોતો !!!

ડો.મહેશ રાવલ


વાત, મૂંઝાતી ફરે…!

ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે
સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !

ધારણ કરેલાં હોય સગપણ, આમ તો
પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે !

દીવા વગરના ટોડલા જેવું હૃદય
‘ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે !

ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી
કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે !

સામાન્યરીતે થાય, એવું થાય નહીં
‘ને રાત, આખીરાત મૂંઝાતી ફરે !

પડઘા વગરના સાદ, રસ્તો આંતરે
ત્યાં લાગણી સાક્ષાત મૂંઝાતી ફરે !

વરસો બદલતાં જાય આપોઆપ, ‘ને
બે શ્વાસ વચ્ચે, ઘાત મૂંઝાતી ફરે !

ડો.મહેશ રાવલ
આ બ્લોગની ગઝલ નં-૧૦૦


વંચિત ગણાશે….!

વારતા અંજામથી વંચિત ગણાશે
પાત્રવરણી, નામથી વંચિત ગણાશે !

શક્ય છે ચર્ચાય કિસ્સો, લોકજીભે
છેવટે પરિણામથી વંચિત ગણાશે !

તૂટતાં સંબંધ જેવી, શક્યતાઓ
અર્થના આયામથી વંચિત ગણાશે !

જાણતલ રસ્તો, અજાણ્યો લાગવાનો
‘ને પછી, મુકામથી વંચિત ગણાશે !

સાવ અમથી થઈજશે સાબિત પ્રતીક્ષા
જોમ, જુસ્સો, હામથી વંચિત ગણાશે !

ડો.મહેશ રાવલ


આગળ વધે !

થઈજાય બે-કાંઠે નદી, ‘ને જળ વધે
એવું બને કે વારતા આગળ વધે !

ભીતર કશુંક ઉભરાય આપોઆપ, ‘ને
અધિકારપૂર્વક, પર્વતા આગળ વધે !

સઘળાં હિસાબો થાય સરભર, આમ તો
પણ શક્ય છે, એકાદ આખી પળ વધે !

દીશા દસે-દસ એમ ઉઘડી જાય, કે
સાતેય કોઠે દીવ્યતા ઝળહળ વધે !

કૂંચી ફરે અકબંધ તાળામાં, અને
છેલ્લે પછી, ઉઘડી ગયેલી કળ વધે !

ડો.મહેશ રાવલ


ઢાળી શક્યો નહીં !

ઉભરો પ્રણયનો,ઓટને ખાળી શક્યો નહીં
મારાતરફ હું એમને,વાળી શક્યો નહીં !

નહિતર,ખુદા તો કોઇને નારાજ ના કરે !
બદકિસ્મતી મારી જ હું,ટાળી શક્યો નહીં

ફૂલી-ફલી’તી આમ તો,મારી ય જિંદગી
હું જિંદગીમાં જિંદગી,ભાળી શક્યો નહીં !

તોફાનવચ્ચે ક્યાં સુધી દીવો ય ઝળહળે ?
નાજુક તબક્કે હું નિયમ,પાળી શક્યો નહીં

એવું નથી કે ઈશ્વરે દરકાર ના કરી
છેલ્લેસુધી હું ખુદ અહમ,બાળી શક્યો નહીં !

જોયાં કરૂં છું આવતો-જાતો સમય,હવે
ફરતાં સમય સાથે સમય,ગાળી શક્યો નહીં !

લોકો ગમે તે રીતથી,આગળ જવા મથે
પણ હું મને એ ઢાળમાં,ઢાળી શક્યો નહીં !

ડો.મહેશ રાવલ


ત્યાંસુધી તું રાહ જો…!

વારતા પૂરી કરી લઉં, ત્યાંસુધી તું રાહ જો
જાત આખી પાથરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

એક ભીંતે,સ્હેજ લૂણો લાગતો દેખાય છે
મૂળસોતો ખોતરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

પ્રશ્ન કેવળ છે સમયનો, આ તરફ-પેલી તરફ
વાસ્તવિક્તા આવરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

હોય દરિયો,એ કદી બંધાય છે ક્યાં કોઇથી ?
એ હદે હું વિસ્તરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !


ડો.મહેશ રાવલ


ત્યાં એ આવશે…

જ્યાં-જ્યાં ગઝલ ચર્ચાય, ત્યાં એ આવશે
જ્યાં શબ્દને પોંખાય, ત્યાં એ આવશે !

નિસ્બત નથી એને, કશા ઈલ્કાબથી
જ્યાં લાગણી સેવાય, ત્યાં એ આવશે !

અસ્તિત્વ એનું સર્વવ્યાપી છે, અને
સાતત્ય જ્યાં જળવાય, ત્યાં એ આવશે !

એવું નથી કે, હોય કાયમ પર્વમાં
નિઃશ્વાસ જ્યાં નંખાય, ત્યાં એ આવશે

એની નજરથી પર, કશું હોતું નથી
સ્હેજે ય કંઈ સંતાય, ત્યાં એ આવશે !

એ જરકસી જામા ભલે પહેરી ફરે
પણ, થીગડું દેવાય ત્યાં એ આવશે !

વેંઢારવા દ્યે છે પ્રથમ એ ભાર, પણ
એના ઉપર નંખાય, ત્યાં એ આવશે !

છે જિંદગી – ત્યાં છે, મરણ છે – ત્યાંય છે
લઈ નામ પોકારાય, ત્યાં એ આવશે !

ડો.મહેશ રાવલ